Corona Ek Reminder Speech by Dr. Nimitt Oza

Corona Ek Reminder Speech by Dr. Nimitt OzaDownload Image
એવું લાગે છે કે સમય હવે બે વિભાગોમાં વહેંચાઈ જશે. ‘પ્રી-કોરોના’ યુગ અને ‘પોસ્ટ-કોરોના’ યુગ. ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોની પેલે પાર એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે.
કોરોના એક રીમાઈન્ડર છે, આપણી આદતોને સુધારવાનું. આપણા અભિગમને બદલવાનું. કશુંક પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું. કોરોનાએ એક સ્પીડ-બ્રેકરનું કામ કર્યું છે. આ સમય ધીમા પડવાનો છે. એ સમજવાનો છે કે વસ્તુઓ કરતા જીવતા મનુષ્યો વધારે મહત્વના છે. આ સમય ‘હ્યુગા’નો છે.


‘હ્યુગા’નો સ્પેલિંગ છે HYGGE. આ ડેનિશ સંસ્કૃતિનો શબ્દ છે અને ડેનમાર્કમાં આ શબ્દનું ખૂબ જ મહત્વ છે. ‘હ્યુગા’નો અર્થ થાય છે ‘હૂંફાળી ક્ષણો’. ડેનમાર્કના પર્યટન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે હ્યુગા એટલે ‘ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિનો આનંદ લેવો અને એક હૂંફાળું વાતાવરણ સર્જવું.’ ઘરના બધા સભ્યો રાતે જમતી વખતે ઘરની બધી લાઈટ્સ બંધ કરીને મીણબત્તીના અજવાળામાં કેન્ડલ લાઈટ ડીનર કરે, તો એ હ્યુગા છે. ગમતા લોકો સાથે મળીને કોઈ એક મૂવી જુએ, તો એ હ્યુગા છે. હ્યુગા એટલે હેપીનેસ. ડેનિશ સંસ્કૃતિ એવું દ્રઢપણે માને છે કે એક હદથી વધારે આવક આપણું સુખ કે આપણી ક્વોલીટી ઓફ લાઈફ વધારી નથી શક્તી. આપણા જીવનની મીનીમમ જરૂરીયાતો પૂર્ણ થયા પછી, આ ‘હૂંફાળી ક્ષણો’ જ આપણો ‘હેપીનેસ ઇન્ડેક્સ’ નક્કી કરતી હોય છે.

હ્યુગા એટલે એવી સુખદ ક્ષણો કે એવા અનુભવો, જે આપણને આજીવન યાદ રહેવાના છે. મમ્મીના ખોળામાં માથું મૂકીને વિતાવેલો સમય, પત્ની સાથે હિંચકા પર બેસીને પીધેલી ચા, આપણા વાળમાં દીકરીના હાથે તેલ નંખાવવું, પપ્પા સાથે કોઈ જોક શેર કરીને ખડખડાટ હસવું, રસોડામાં પરાણે ઘૂસ મારીને કોઈ ‘હોરિબલ’ વાનગી બનાવવી, ઘરના સભ્યોનું સાથે મળીને ‘હાઉસી’ રમવું. આ બધી ક્ષણો હ્યુગા છે. બધાના ફોન બીજા કોઈ રૂમમાં સાયલન્ટ મોડ પર મૂકીને એકબીજા સાથે વિતાવેલી દરેક ક્ષણ હ્યુગા છે.

યાદગાર ક્ષણોની રેસિપી બહુ સરળ છે. ‘ફ્રિઝ’માંથી કાઢેલી કંટાળાજનક અને થીજી ગયેલી જિંદગીને, ગમતા લોકોની હૂંફ પર ધીમા તાપે ઉકાળીને, એમાં સ્વાદ-અનુસાર દરેકનો થોડો થોડો સમય ઉમેરીને, આ મિશ્રણને નવરાશની પળોમાં પ્રેમથી હલાવવું. થોડી જ વારમાં કાચી રહી ગયેલી જિંદગીમાંથી એક સ્વાદિષ્ટ વાનગી બની ગયાની સુવાસ આખા ઘરમાં અને જીવનમાં ફેલાય જશે. મજબૂરી કહો કે શીખ, આદેશ કહો કે શિસ્ત પણ હકીકત એ છે કે ઘરે રહીને યાદગાર ક્ષણો બનાવવાનો આવો ચાન્સ આપણને હજારો વર્ષોમાં એકવાર મળતો હોય છે. આવું ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું અને કદાચ થશે પણ નહીં. પરંતુ આપણે વૃદ્ધ થશું, ત્યારે આપણા પૌત્ર અને પૌત્રીઓને આપણે ‘કોરોના-સંસ્કાર’ની વાર્તાઓ કહેતા હશું.

કોરોના એક તાકીદ છે કે કદાચ આપણે ખોટી દિશામાં દોડી રહ્યા છીએ. જે પામવાની દોડમાં, ઘર છોડીને રોજ સવારે આપણે નીકળી પડીએ છીએ, હકીકતમાં એ પામવા જેવું બધું ‘ઘરમાં’ જ છે. અત્યાર સુધી જેમને માટે કમાયા છીએ, હવે એમને કમાવાનો સમય છે. આ વિશ્વમાં ઘરથી વધારે હૂંફાળું અને રમણીય બીજું કશું જ ન હોય શકે, અને આ પ્રતીતિનો શ્રેય કોરોનાને જાય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  •  Gujarati Social Suvichar
  • Corona Virus Gujarati Life Quote
  • GHAR EK MANDIR

Leave a comment